ગુજરાતમાં બે દિવસથી બૂસ્ટર ડોઝની ઇન્કવાયરીમાં વધારો

કોરોના કહેર વખતે બે ડોઝ લીધા બાદ લોકોએ બેદરકારી દાખવી બૂસ્ટર ડોઝ લીધો ન હતો. પરંતુ ચીનમાં કોરોનાનો કહેર વધતા હવે બૂસ્ટર ડોઝ લેવા લોકો જાગૃત થયા છે. બૂસ્ટર ડોઝ ક્યાં મળશે, કેવી રીતે મળશે અને ક્યારે મળશે તેની ઇન્ક્વાયરીમાં વધારો થયો છે. ચીનમાં કોવિડ-19ની અત્યાર સુધીની સૌથી મોટી લહેર આવી છે. ચીનમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે જ્યારે અન્ય દેશમાં પણ કોરોનાનો કહેર વધી રહ્યો છે.
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી બૂસ્ટર ડોઝની ઇન્કવાયરીમાં વધારો થયો છે. બૂસ્ટર ડોઝ માટે લોકો સરકારી હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રમાં  પૂછપરછ કરી રહ્યા છે.  લોકોએ પહેલાં જ બૂસ્ટર ડોઝ લઇ લેવાની જરૂર હતી. પરંતુ હાલ જે પ્રમાણે કોરોના વધી રહ્યો છે તે જોતા લોકો જેમણે બૂસ્ટર ડોઝ નથી લીધો તે લોકોએ તાકીદે બૂસ્ટર ડોઝ લઇ લેવો જોઇએ. ઉપરાંત હવે ભીડ વાળી જગ્યાએ પણ માસ્ક પહેરવું જોઇએ જેથી કોરોનાથી બચી શકાય અને લોકોને બચાવી પણ શકાય.
સરકારે પણ આ મામલે અગમચેતીના પગલાં શરૂ કરી દીધા છે. બીજી તરફ કોરોનાનો ડર લોકોમાં વ્યાપી રહ્યો છે. બૂસ્ટર ડોઝ અંગેની ઇન્ક્વાયરીમાં 500 ગણો વધારો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. એક તબક્કે લોકોને સામેથી બૂસ્ટર ડોઝ માટે કહેવામાં આવતું હતું પરંતુ કોઇ લેવા જતા ન હતા. પરંતુ કોરોનાની વધુ એક લહેરની ભીતિ વચ્ચે બૂસ્ટર ડોઝ લેવા લોકો હવે આગળ આવી રહ્યાં છે અને પૃચ્છા કરી રહ્યાં  છે. સિવિલ હોસ્પિટલ સહિતની જગ્યાએ બૂસ્ટર ડોઝ આપવાની કામગીરી લગભગ બંધ થઇ ગઇ હતી તે તીવ્ર ગતિએ શરૂ થઇ ચુકી છે અને લોકો બૂસ્ટર ડોઝ લેવા માટે આગળ આવી રહ્યાં છે. 

Comments

Popular posts from this blog

ઓખાના દરિયામાંથી 300 કરોડના હેરોઇન સાથે 10 પાકિસ્તાની ઝડપાયા